વડોદરાના મકરપુરા વિસ્તારમાંથી મિત્રતાની એક એવી હૃદયદ્રાવક અને કંપારી છૂટી જાય તેવી કરુણ ઘટના સામે આવી છે, જે સાંભળીને કોઈપણ વ્યક્તિની આંખો ભીની થઈ જાય. બિહારમાં રહેતા એક મિત્રના આત્મહત્યાના ખબર આવ્યા બાદ વડોદરામાં રહેતા તેના અન્ય બે મિત્રો આ આઘાત સહન ન કરી શક્યા અને માત્ર 24 કલાકની અંદર જ બંનેએ એક પછી એક પોતાનું જીવન ટૂંકાવી દીધું. સાચી મિત્રતાનો આવો દર્દનાક અને કરુણ અંત જોઈને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
પોલીસ સૂત્રો અને રેલવે પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, ગુરુવારે બપોરે મકરપુરા રેલવે સ્ટેશન નજીક 23 વર્ષના એક અજાણ્યા યુવકનું ટ્રેનની અડફેટે આવી જતાં માથું કપાઈ જવાથી કરુણ મોત નીપજ્યું હતું. રેલવે પોલીસે તપાસ શરૂ કરતા આ મૃતક યુવકની ઓળખ 26 વર્ષીય રવિશંકરકુમાર રાજકુમાર પ્રસાદ તરીકે થઈ હતી, જે મૂળ બિહારનો વતની હતો અને હાલ મકરપુરાની જશોદા કોલોનીમાં રહેતો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં જે ખુલાસો થયો તે અત્યંત આઘાતજનક હતો. રવિશંકરકુમારના એક પરમ મિત્રનું પાંચ દિવસ પહેલા જ બિહારમાં અવસાન થયું હતું. મિત્રના જવાથી રવિશંકર એટલો બધો ભાંગી પડ્યો હતો કે તે સતત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર દર્દભરી પોસ્ટ મૂકતો હતો. તેણે છેલ્લે પોસ્ટમાં લખ્યું હતું કે, “તેરે પાસ બહુત જલદી આતા હું. સબ લોગ મુજે માફ કર દેના. મેરી માતા કા ખયાલ કોન રખેગા.” આ જ ગમગીનીમાં તેણે ટ્રેન નીચે ઝંપલાવીને પોતાની જિંદગીનો અંત આણી દીધો.
રવિશંકરના મોતથી ભાંગી પડેલા બીજા મિત્રએ પણ ગળેફાંસો ખાધો
હજુ તો રવિશંકરના આત્મહત્યાના આઘાતમાંથી પરિવાર બહાર પણ નહોતો આવ્યો, ત્યાં શુક્રવારે સવારે મકરપુરા પોલીસ સ્ટેશનમાં આપઘાતનો વધુ એક કમકમાટીભર્યો કિસ્સો નોંધાયો. જશોદા કોલોનીમાં જ રહેતા 23 વર્ષીય વિકાસ દિનેશભાઈ પ્રસાદ નામના યુવકે સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું.
પોલીસે જણાવ્યું કે, ટ્રેન નીચે કચડાઈને જીવ આપનાર રવિશંકર અને વિકાસ બંને પાકા મિત્રો હતા અને મકરપુરા GIDC માં સાથે જ નોકરી કરતા હતા. રવિશંકરના અકાળ અને આઘાતજનક મોતના સમાચાર વિકાસ સહન કરી શક્યો નહીં. પોતાના જિગરી દોસ્તના મોતના ગમમાં વ્યાકુળ થઈને વિકાસે પણ મોતનો રસ્તો પસંદ કરી લીધો. આમ, એક જ મિત્ર મંડળના ત્રણ-ત્રણ આશાસ્પદ યુવાનોના મોતના પગલે જશોદા કોલોની અને મૃતકોના વતનમાં ભારે આક્રંદ અને શોકનો માહોલ છવાઈ ગયો છે. હાલ મકરપુરા અને રેલવે પોલીસ આ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહી છે.
