ગુજરાતમાં ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે અમદાવાદથી ગાંધીનગર સુધી કિસાન અધિકાર યાત્રા યોજી રહી છે. આ યાત્રામાં 1111 ટ્રેક્ટર સાથે હજારો ખેડૂતો જોડાયા છે. આ રેલીમાં આશરે 20થી વધારે ખેડૂત સંગઠનો પણ જોડાયા છે. રેલીમાં ભાગ લેવા માટે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, સાંસદ ગેનીબેન ઠાકરો સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અમદાવાદના શાંતિપુરા ચોકડી પહોંચી ગયા છે. જ્યાંથી કિસાન અધિકાર યાત્રા નીકળશે. બીજી તરફ સ્થળ પર કડક પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
કોંગ્રેસે કાયદાઓને બાજુએ મૂકી ખેડૂતોની જમીન હડપ કરાઈ રહી હોવાનો દાવો કર્યો છે. આ પ્રકારની કુલ 5 માગણી સરકાર સમક્ષ કરવામાં આવશે. સેવા દળના અધ્યક્ષ લાલજી દેસાઈ, પાલ આંબલિયા, જયેશ પટેલ, મહેશ રાજકોટીયા, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જીજ્ઞેશ મેવાણી યાત્રાનું સંકલન સંભાળી રહ્યા છે. તેમજ આ અધિકાર રેલીને વિધાનસભામાં કોંગ્રેસના નેતા ડો.તુષાર ચૌધરી તથા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સંબોધન કરશે.
શાંતિપુરા ચોકડીથી રેલી ઓગણજ ખાતે આવેલા શતાબ્દી મહોત્સવ મેદાનમાં પહોંચશે, જ્યાં ખેડૂત સભાનું આયોજન કરાયું છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની ટ્રેક્ટર રેલીને ગાંધીનગર સુધી જવાની મંજૂરી અપાઈ નથી. હાલમાં મોટી સંખ્યામાં ખેડૂતો અલગ-અલગ જિલ્લોમાંથી અમદાવાદની શાંતિપુરા ચોકડી ખાતે પહોંચી રહ્યા છે.
મોરબીથી એક ખેડૂત હળ સાથે આવ્યાં છે અને તેમની ગાડી પર ‘ખેડૂત મજબૂત તો દેશ મજબૂત’ સહિતના અલગ-અલગ પેઇન્ટિંગો દોરેલા છે, જે લોકોમાં આકર્ષણ બન્યું છે. કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોર અને કરસન ભાદરકા પણ શાંતિપુરા ચોકડી પહોંચ્યા છે. અહીં કરસન ભાદરકાએ કહ્યું છે કે રેલી નીકળશે ત્યારે ઘણા મંત્રીઓને હાર્ટએટેક આવી જશે એટલે ગાંધીનગર જવાની મંજૂરી ના આપી.
ઈટાલિયા સહિતના આપના નેતાઓ ખેડૂત આંદોલનના સમર્થનમાં
કોંગ્રેસના આ ખેડૂત આંદોલનના સમર્થનમાં આમ આદમી પાર્ટી પણ જોડાશે. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિત આપના પ્રદેશ નેતાઓ પણ ટ્રેક્ટર રેલીમાં હાજર રહી ખેડૂતોને સમર્થન આપશે. ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે ખભેખભો મિલાવીને લડત ચાલુ રાખશે.
