અમદાવાદમાં રામોલ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે. મળતી માહિતી પ્રમાણે રામોલમાં કોઈ અગમ્ય કારણોસર યુવકે કાચ વડે પોતાના હાથની નસ કાપીને આત્મહત્યા કરી લીધી હતી. 34 વર્ષીય યુવકે હાથની નસ કાપી દીધી હતી. જાહેરમાં આવી ચકચારી ઘટના બનતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. હાથની નસ કાપતા લોહીલુહાણ હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનીક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
મળતી માહિતી અનુસાર, આપઘાત કરનાર યુવકની ઓળખ 34 વર્ષીય ઘનશ્યામ પ્રજાપતિ તરીકે થઈ છે. આ મામલે રામોલ પોલીસ સ્ટેશનના પીઆઇ (PI) વી.ડી. મોરીએ જણાવ્યું હતું કે, ‘ઘટનાની ગંભીરતાને જોતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરીને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે.’
યુવકે કયા કારણોસર આટલું આત્મઘાતી પગલું ભર્યું તે અંગે હજી સુધી કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. રામોલ પોલીસે હાલ આપઘાતનો ગુનો નોંધીને કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ મૃતકના પરિવારજનો અને આસપાસના લોકોની પૂછપરછ કરીને આપઘાત પાછળનું સાચું કારણ શોધવા માટે વધુ તપાસ ચલાવી રહી છે.
