અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં મેન્ટલ બારી ટર્નિંગ નજીક સિવિલ હોસ્પિટલની મેસ પર 12 જૂન 2025ના રોજ અમદાવાદથી લંડન જતી AI171 ફ્લાઈટનું પ્લેન ક્રેશ થતા 260થી વધારે લોકોના કરુણ મોત થયા હતા. આજે(12 જૂન) અમદાવાદ પ્લેન ક્રેશને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે પ્લેન ક્રેશ સાઇટ પર મૃતકના પરિવારજનો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે.
વિજય રૂપાણીના દીકરી રાધિકા રૂપાણીએ વૃક્ષારોપણ કર્યું
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના દીકરી રાધિકા રૂપાણી પણ બી.જે. મેડિકલ કોલેજ પહોંચ્યા હતા. જેમણે મૃતકોની યાદમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પ્લેન ક્રેશની ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. અમે આ ગોઝારી દુર્ઘટનાને અનુભવી છે. આજના દિવસે બધા જ દિવંગતોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. પપ્પા સાથે 260 લોકોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ.
પપ્પાએ જે સેવાકાર્યો શરૂ કર્યા હતા જેમણે બધા લોકો આગળ ધપાવી રહ્યા છે અને અમે પણ તેને આગળ ધપાવીશું. બધા લોકો પપ્પાને યાદ કરી રહ્યા છે જેનું આજે અમને ગર્વ છે. ગુજરાત આગળ વધે તે પપ્પાનું સ્વપ્ન હતું જેથી તેને લઈને પણ અમે પ્રયાસ કરીશું.
પ્લેન ક્રેશ સાઈટ પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ
12 જૂન 2025ના રોજ બપોરે 1:39 વાગ્યે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું હતું. આ ગંભીર દુર્ઘટનામાં દેશ-વિદેશ અને અમદાવાદના 260થી વધારે મુસાફરોના મૃત્યુ થયા છે ત્યારે એક વર્ષ પૂર્ણ થતા આજે મૃતકના પરિવારજનો દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. પ્લેન ક્રેશ સાઈટ ઉપર મૃતકના પરિવારજનો એક વર્ષ પહેલા બનેલી ગંભીર દુર્ઘટનામાં જે સ્વજનો ગુમાવ્યા છે તેમને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. પ્લેન ક્રેશ સાઇટ ઉપર એક વર્ષ પહેલા જે ઘટના બની હતી તેના અવશેષો આજે પણ જોવા મળે છે.
લંડનથી આવેલા પરિવારે પણ પ્લેન ક્રેશ સાઈટ પર તેમના પુત્રને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. પ્લેન ક્રેશમાં લંડનના ફ્યોંગલે જીવ ગુમાવ્યો હતો. તેના માતા-પિતા શ્રદ્ધાંજલિ આપવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઘટનાસ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. પ્લેન ક્રેશ સાઈટ ઉપર સાંજે સાત વાગ્યે જાણીતા કલાકારો હનુમાન ચાલીસા અને સુંદરકાંડ કરશે. ગાયક હેમંત ચૌહાણ, હિમાંશુ ચૌહાણ, મયુર દવે, રણજિત વાંક ઉપસ્થિત રહેશે.
