ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલા કુડાસણમાં આત્મહત્યાની ઘટના બની હતી. અહીં મૂળ મુંબઈના રહેવાસી અને છેલ્લા કેટલાક મહિનાથી ગાંધીનગરમાં રહેતા યુવકે પોતાના ઘરમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. યુવકનો મૃતદેહ પાંચ દિવસ સુધી ઘરમાં જ પડી રહ્યો હતો. યુવકે આત્મહત્યા કરતા પહેલા ઘરના દરવાજા ઉપર એક ચિઠ્ઠી ચોંટાડી હતી. ચીઠ્ઠી જોઈને પત્ની સ્તબ્ધ થઈ ગઈ હતી. સ્થાનિક પોલીસે આ અંગે વધુ તપાસ હાથધરી છે.
શેર બજારમાં દેવું થતાં ભર્યું પગલું
ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે મૂળ મુંબઈના બોરીવલીના વતની અને હાલ કુડાસણમાં રહેતા પંકજ સુરેન્દ્રભાઈ ભણસાલી ઇન્ફોસિટી ખાતે આવેલી ‘એનએક્સી’ (NXC) સ્ટોક માર્કેટની ઓફિસમાં નોકરી કરતા હતા. જોકે, છેલ્લા પાંચેક મહિનાથી તેમની નોકરી છૂટી ગઈ હતી અને શેરબજારમાં મોટું દેવું થઈ ગયું હોવાના કારણે તેઓ ભારે માનસિક તણાવ અને આર્થિક સંકડામણ અનુભવી રહ્યા હતા.
પત્ની અને દીકરી પિયર ગયા અને પંકજે ઝેર પીધું
ઘટનાની વાત કરીએ તો ગત 13 મેના રોજ પંકજભાઈની પત્ની પોતાની દીકરીને લઈને પિયર ગયા હતા. પિયર ગયા બાદ 22 મેના રોજ પતિ-પત્ની વચ્ચે ફોન પર છેલ્લી વાર વાતચીત થઈ હતી, જે પછી પંકજભાઈનો ફોન સતત સ્વીચ ઓફ આવતો હતો. પત્ની દ્વારા વારંવાર સંપર્ક કરવા છતાં કોઈ જવાબ ન મળતાં તેઓને કંઈક અજુગતું થયાની આશંકા ગઈ હતી. આથી, 27 મેને બુધવારે રાત્રે પંકજભાઈની પત્ની તેમના ભાઈ સાથે કુડાસણ સ્થિત ઘરે પહોંચ્યા હતા.
જ્યારે પરિવારજનો ઘરે પહોંચ્યા ત્યારે મુખ્ય દરવાજો ખુલ્લો હતો, પરંતુ તેની બહાર પંકજભાઈએ લખેલી હૃદયદ્રાવક ચેતવણીની ચિઠ્ઠી ચોંટાડેલી હતી. ઘરમાં પ્રવેશતાં જ પંકજભાઈ ફર્શ પર મૃત હાલતમાં મળી આવ્યા હતા અને ઝેરી દવાના કારણે તેમનો ચહેરો કાળો પડી ગયો હતો. ઘટનાસ્થળેથી ઘઉંમાં નાખવાની ‘સેલફોસ’ નામની અત્યંત ઝેરી દવાની પડીકીઓ મળી આવી હતી.
પોલીસના પ્રાથમિક અંદાજ મુજબ આ આપઘાતની ઘટના ગત 22 મેના રોજ જ બની હોવાનું અનુમાન છે. ઇન્ફોસિટી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાનના આપઘાતના આ આત્યંતિક પગલાં પાછળના ચોક્કસ કારણો જાણવા ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.
