‘કોકરોચ જનતા પાર્ટી’ના ફાઉન્ડર અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પર એક મોટો દાવો કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, તેમના સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ વિરુદ્ધ નવી કાર્યવાહી કરવામાં આવી છે. દીપકેના જણાવ્યા અનુસાર, તેમનું પર્સનલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરી લેવામાં આવ્યું છે.
આ સાથે જ ભારે લોકપ્રિયતા મેળવી રહેલું પાર્ટીનું બેકઅપ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ થોડા સમય માટે હટાવી દેવામાં આવ્યું હતું, જોકે બાદમાં તેને ફરીથી શરૂ કરી દેવાયું છે. અભિજીત દીપકેએ પોતે ‘X’ (ટ્વિટર) પર આ અંગેની પોસ્ટ શેર કરીને માહિતી આપી છે.
હાલમાં સોશિયલ મીડિયા પર ‘કોકરોચ જનતા પાર્ટી’નું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ જોરદાર વાયરલ થઈ રહ્યું છે. આ એકાઉન્ટે શરૂ થયાના ગણતરીના દિવસોમાં જ કરોડોની સંખ્યામાં ફોલોઅર્સ મેળવી લીધા છે. નવાઈની વાત એ છે કે, ફોલોઅર્સની સંખ્યાના મામલામાં આ એકાઉન્ટે ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ (Congress) ના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સને પણ પાછળ છોડી દીધા છે.
શનિવારે એટલે કે એકાઉન્ટ શરૂ થયાના માત્ર છઠ્ઠા જ દિવસે કોકરોચ જનતા પાર્ટીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોલોઅર્સનો આંકડો 2.17 કરોડને પાર થઈ ગયો છે. આ એકાઉન્ટે પોતાના ચોથા દિવસે જ ભાજપ અને કોંગ્રેસના એકાઉન્ટ્સને ફોલોઅર્સની રેસમાં પછાડી દીધા હતા.
કોકરોચ જનતા પાર્ટીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અત્યાર સુધીમાં માત્ર 75 પોસ્ટ જ કરવામાં આવી છે, તેમ છતાં તેના ફોલોઅર્સ 2.17 કરોડથી વધુ થઈ ગયા છે. દીપકેના ઘણા વીડિયો પર લાખોની સંખ્યામાં વ્યુઝ આવી રહ્યા છે, એટલું જ નહીં પરંતુ આ એકાઉન્ટ પરથી જે પોસ્ટ રીપોસ્ટ કરવામાં આવી છે તેના પર પણ લાખો વ્યુઝ જોવા મળી રહ્યા છે.
